બુધવાર, 25 ઑગસ્ટ, 2010

"રાખી"

વીરા તને રાખડી બાંધું
વાળી સાત હેતની ગાંઠું

જુગ જુગ જીવો વીરા તું મારા,
શત શત પ્રગટે તેજ તમારા,
રિદ્ધિ સિદ્ધિ તને ચૂમતી આવી
તારે આંગણિયે પથરાય
જોઇ મારૂં હૈયું ટાઢું
આંખડીએ હર્ષનાં આંસુ
વીરા તને રાખડી બાંધું
વાળી સાત હેતની ગાંઠું.
દુ:ખના તને પડે ના ઓછાયા
સુખના સાગર ઉભરાય,
માનવ તણી સેવા કરીને
તું માની કુખ દિપાવ.
વીરા તું કુળદિપક,
કરૂં તને કુમકુમતિલક,
વીરા તને રાખડી બાંધું
વાળી સાત હેતની ગાંઠું.
બળ બુદ્ધિ તને વરે ઘણેરા,
તને સ્‍પર્શે ના ગર્વના અંશ,
કર્મ કરજે તું એવા રે ઊજળા,
કોઇ મારે ના મેણાંનાં દંશ,
વીરો મારો મોતી રે સાચું
એના હું મૂલ શું આંકું ?
વીરો મારો માડીનો જાયો
થાજે તું સૌમાં સવાયો
વીરા તને રાખડી બાંધું
વાળી સાત હેતની ગાંઠું.
(તા. ૧૬-૭-૭૫)


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો