મંગળવાર, 31 ઑગસ્ટ, 2010

બાલભવન, રાજકોટ વિષે

આ બાલભવન છે
કલરવ કરતાં બાળકોનું
જાણે નંદનવન છે
ભૂલકાંઓનું રાજભવન છે
એવું આ બાલભવન છે.


આવો એનો પરિચય આપું
એવું ધમધમતું આંગણ
એનું મઘમઘતું ઉપવન
એની એક ઝલક બતાવું.
ઉઘડતા પુષ્‍પ સમી બાળાઓના વૃંદ
ગેલ કરતાં છોકરાં જાણે મસ્‍તીમાં મશગૂલ,
બાલભવનનું આંગણ એને સત્‍કારવા આતુર
અવનવી પ્રવૃત્તિમાં રચ્‍યા છે સહુના મન
આ બાલભવન છે..............
આવો આ પ્રયોગશાળા છે
નાના-મોટા સાધનથી એ કેવી સભર છે
વિજ્ઞાન રસિયા અહીંયા મળતા
અવનવા પ્રયોગો સૌને મુગ્‍ધ કરતાં
જાણે કોઇ બાળ વિજ્ઞાની
તમે જોઇ એની ખુમારી......
અને અહીં છે અમારી ચિત્રશાળા,
નાના, મોટા, ભૂલકાં અહીં કેવા સમાણાં
કાગળ-પેન્‍સિલ, પીંછી, રંગ સાથ
શોભે જાણે બાળ ચિત્રકાર
આપે છે એ કેવા આકાર
અરે ! અહીં શાંતિ કેમ છે ?
આ તો વાંચનાલય છે
ગુજરાતી, હિન્‍દી, ઇંગ્‍લીશ પુસ્‍તકોનો
અહીં સારો સુમેળ છે
આ એ જ તોફાની,
બન્‍યા કેવા જ્ઞાની...........
અરે આ સરગમ શેની વાગે છે ?
આ તો અમારો સંગીતહોલ છે
નાના, મોટા સભ્‍યોનો અહીં
સારો મેળ છે
કોઇ તબલાં, કોઇ ઢોલક બજાવે
વળી હાર્મોનિયમના સુરે
પગ ઘૂંઘરૂં બાંધી બાળા નટખટ નાચે
વાહ..........જાણે પરી જ ઉતરી લાગે........
વળી, આ મધુર શોર ભઇ શાનો ?
આ રમત-ગમતના રૂમ મહીં
જીતી ગયેલાં બાળકોનો
કેવો ઉમંગ જામ્‍યો
અહીં ચેસ, કેરમ, ગ્રાફ જેવી
ભાતભાતની રમતો એવી
અને આ સ્‍કેટીંગ જોયાં ?
અરે, અહીં તો બહુ જ રસ છે
હા..... એ સૌનો મનગમતો વિષય છે
પગ સ્‍કેટીંગ પહેરી ચાલવાનો, લપસવાનો
એને મન ઉમંગ છે.
આ બાલભવન છે...............
અને આ પટાંગણ જૂદી જૂદી
રમતોથી કેવું ધમધમે છે
અહીં મેચ છે જામ્‍યો
પણે, આંબા છાંયે, નાગોલ ચગ્‍યો છે
તો વળી ત્‍યાં જુઓ, વોલીબોલ ખેલાય છે
જોયું આ છે અમારૂં ઘર
એક કુટુમ્‍બના સભ્‍યો જેવા
સૌ કરીએ આનંદ સંગ
આ બાલભવન છે...........
રાય, રંક, ઉચ્‍ચ, નીચના ભેદ ના અહીં
સૌના સરખા મૂલ અંકાય અહીં
રોક ટોક ના કશી, અમારાં આબાદ છે મન
આવાં સ્‍વર્ગ સુખના અમ હૈયે છે ઉમંગ.............
આ બાલભવન છે.............
પીતા સરખા છે અમારા
સૌના "ભાઇ" છે
અન્‍ય ભાઇ-બહેનોના
હેત અપાર છે
કહો શું છે અમને દુ:ખ ?
સુખની અહીં તો રેલમછેલ છે
વળી લક્ષ્‍મી, સરસ્‍વતિમાંની
અમ પર અપરંપાર મહેર છે
આ બાલભવન છે
રૂપાળું નંદનવન છે.
(તા. ૩૦-૭-૭૫)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો